આમ તો, લેખક તરીકે ડૉ. શરદ ઠાકરની કલમે કેટકેટલીય જીવનકથાઓને કંડારી છે, કેટલાય શબ્દદેહ સજાવ્યા છે. પણ અમૂક કથાઓ એવી હોય છે ને, જે કલમને પકડીને બેઠા હોય એવા લેખકને પણ અંદરથી હચમચાવી દે. આજે હું તમને એવી જ એક જીવનકથા વિશે કહેવા આવ્યો છું – એક અદભુત પુસ્તક, જેનું નામ છે 'એકલો જાને રે'.
આ પુસ્તક કોઈ કાલ્પનિક કથા નથી, કોઈ મનઘડત કહાણી નથી. આ તો એક જીવંત ગાથા છે, એક એવા માણસની જેને સૌ ડૉ. એચ.એલ. ત્રિવેદીના નામે ઓળખે છે. માત્ર નામ નહીં, પણ આખેઆખું જીવન જ જેમણે માનવતાના યજ્ઞમાં હોમી દીધું એવું એ નામ છે.
એકલો જાને રે: નામ પાછળનો ભાવ
આ પુસ્તકનું શીર્ષક છે 'એકલો જાને રે!' – આ શબ્દો કાને પડતાં જ ટાગોર દાદાનું રચેલું અને ગાંધીજીનું પણ પ્રિય ગીત-ભજન યાદ આવે, "તારી જો હાક સુણી કોઈ ન આવે ત્યારે એકલો જાને રે!" - ડૉ. ત્રિવેદીનું જીવન આ ગીત જીવંત ઉદાહરણ છે.
વિચાર કરો, એક એવો સમય હતો જ્યારે આપણા દેશમાં 'કિડની ટ્રાન્સપ્લાન્ટ' શબ્દ પણ કોઈ જાણતું નહોતું, સપનામાં પણ વિચારતું નહોતું! લોકોને લાગતું કે આ તો અશક્ય છે, આ તો પરદેશમાં જ થાય. ત્યારે ડૉ. ત્રિવેદીએ આ બીડું ઝડપ્યું. વૈભવી જીવન અને સમૃદ્ધિ ભારયી કારકિર્દી અને કમાણી છોડી પોતાના વતન ગુજરાતમાં આવી ગયા. કોઈ સાથ નહોતો, કોઈ ટેકો નહોતો, રસ્તો પણ અજાણ્યો હતો. છતાં એમણે હિંમત ન હારી. એકલા હાથે એ નીકળી પડ્યા, એક સપનાને સાકાર કરવા, હજારો લોકોને નવજીવન આપવા.
જ્યારે ખુદ ડૉ. શરદભાઈ તેમના જીવન વિશે લખી રહયા હતા, ત્યારે તેમના એક-એક કિસ્સા, એક-એક નિર્ણય તેમને વિચારતા કરી દીધેલા. કેટલી અડચણો, કેટલા વિરોધો, કેટલી નિરાશાઓ! પણ તેમનો નિશ્ચય અડગ રહ્યો.
ડૉક્ટર નહીં, જીવનદાતા
ડૉ. ત્રિવેદી માત્ર એક ડૉક્ટર નહોતા, પણ ઓપરેશન થિયેટરમાં જાદુ કરતા એક જીવનદાતા હતા. કિડનીના દર્દથી પીડાતા, જીવવાની આશા છોડી ચૂકેલા હજારો લોકો માટે તેઓ ભગવાન બનીને આવ્યા. એમણે માત્ર રોગને જ નહીં, પણ દર્દીના મનોબળને પણ સાજું કર્યું.
આ પુસ્તકમાં તમે વાંચશો કે કેવી રીતે તેમણે તબીબી ક્ષેત્રે ક્રાંતિ લાવી. કેવી રીતે તેમણે સાબિત કર્યું કે સેવા અને સમર્પણ ભાવથી કરેલું કામ કેટલું મોટું પરિણામ આપી શકે છે. તેમને પૈસાની પાછળ દોડવાની જરૂર નહોતી, કારણ કે તેમનું ધ્યેય જ બીજું હતું – માનવ કલ્યાણ.
યુવામિત્રો માટે પ્રેરણાનો ધોધ
તેમની આ ગાથા ખાસ કરીને મારા યુવા મિત્રો માટે છે. જેઓ બહુ જલદી હારી જાય છે, નાસીપાસ થઈ જાય છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે છે, ત્યારે તરત જ રસ્તો બદલી નાખે છે. ડૉ. ત્રિવેદીનું જીવન તમને શીખવે છે કે:
દ્રઢ નિશ્ચય શું હોય છે?
અશક્યને શક્ય કેવી રીતે બનાવવું?
સમાજ માટે જીવવાનો સાચો અર્થ શું છે?
જ્યારે તમે આ પુસ્તક વાંચશો, ત્યારે તમને સમજાશે કે સાચી તાકાત ડિગ્રી કે બેંક બેલેન્સમાં નથી, પણ તમારા ઇરાદામાં અને તમારા હૃદયની શુદ્ધતામાં છે. તમને લાગશે કે જો એક માણસ આટલું મોટું કામ કરી શકતો હોય, તો આપણે શા માટે નહીં?
આ પુસ્તક વાંચ્યા પછી, જો તમારા મનમાં કોઈ સારું કામ કરવાનો વિચાર ફૂટે, જો તમે તમારા ક્ષેત્રમાં કંઈક નવું કરવાનો સંકલ્પ કરો, અને જો તમને એકલા ચાલવાની હિંમત મળે – તો માનજો કે ડૉ. ત્રિવેદીનું જીવન અને લેખકની કલમ ધન્ય થઈ જશે.
તો, હવે રાહ શેની જોવાની ? જો તમને માનવતાના એક જીવંત ઉદાહરણનો પરિચય મેળવવાનું મન હોય, એક એવા માણસની વાત જાણવાની ઈચ્છા હોય, જેણે સાબિત કર્યું કે એકલો માણસ પણ આખી દુનિયા બદલી શકે છે….તો આજે જ એકલો જાને રેને તમારા ઘરની લાઈબ્રેરીમાં વસાવી દેજો.
વાંચ્યા બાદ તમેય આપોઆપ બોલી ઉઠશો: "રે મનવા, તને શાં તકલીફ છે? ઉભો થા, એકલો જાને રે…"
No comments:
Post a Comment